શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે મતદાન શરૂ થયું હતું. 2022ના આર્થિક સંકટ પછી શ્રીલંકામાં આ પ્રથમ ચૂંટણી છે. દેશભરના 13,400થી વધુ મતદાન મથકો પર એક કરોડ 70 લાખ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણીના પરિણામો રવિવાર સુધીમાં જાહેર થવાની શક્યતા છે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ચૂંટણી પર નજર રાખવા માટે વિવિધ આંતરરાષ્ટ્રીય ચૂંટણી દેખરેખ સંસ્થાઓના 116 પ્રતિનિધિઓ શ્રીલંકા પહોંચ્યા છે. 78 નિરીક્ષકો યુરોપિયન યુનિયન એટલે કે EU ના છે. EU અગાઉ છ વખત શ્રીલંકામાં ચૂંટણીનું નિરીક્ષણ કરી ચૂક્યું છે.
ત્રિકોણીય હરીફાઈની અપેક્ષા
શ્રીલંકાના વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે દેશને આર્થિક સંકટમાંથી બહાર લાવવાના તેમના પ્રયાસોની સફળતાના આધારે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ઘણા નિષ્ણાતોએ આ માટે 75 સીલના વિક્રમસિંઘેની પ્રશંસા કરી છે. વિક્રમસિંઘેએ બુધવારે રાત્રે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, ‘હું સુનિશ્ચિત કરીશ કે અમે જે સુધારાઓ શરૂ કર્યા છે તેને ચાલુ રાખીને દેશની નાદારીનો અંત લાવીશું.’ ત્રિકોણીય ચૂંટણી જંગમાં વિક્રમસિંઘે નેશનલ પીપલ્સ પાવર (NPP)ના 56 વર્ષીય અનુરા કુમારા દિસાનાયકે અને 57 વર્ષીય સામગી જના બાલાવેગયા (SJB)ના નેતા સાજીથ પ્રેમદાસા વચ્ચે સખત લડાઈનો સામનો કરી રહ્યા છે.
વિક્રમસિંઘે માટે દિસનાયકે મોટો પડકાર છે
વિશ્લેષકોનું માનવું છે કે 1982 પછી શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચૂંટણીના ઈતિહાસમાં પ્રથમ વખત ત્રિકોણીય હરીફાઈ થઈ રહી છે. શ્રીલંકાની આ રાષ્ટ્રપતિની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ ચૂંટણી 2022ના આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહેલા દેશનું ભવિષ્ય નક્કી કરશે. આ ચૂંટણીને રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના બે વર્ષના કાર્યકાળના જનમત તરીકે પણ જોવામાં આવી રહી છે. માર્ક્સવાદીઓની આગેવાની હેઠળના ગઠબંધન ‘નેશનલ પીપલ્સ પાવર’ના નેતા અનુરા કુમારા દિસાનાયકે ભ્રષ્ટાચારથી કંટાળેલા યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે, જેના કારણે તેઓ વિક્રમસિંઘે માટે મોટો પડકાર બની રહ્યા છે.