Gujarat News: જૂનાગઢ પોલીસ તોડકાંડના તરલ ભટ્ટ બાદ વધુ એક પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીના સસ્પેન્ડેડ એસઆઈ દીપક જાનીની એટીએસએ ધરપકડ કરી તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા એએસઆઈ દીપક જાનીને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેમને જૂનાગઢ જીલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. હવે એસઓજીના સસ્પેન્ડેડ પીઆઈ અરવિંદ ગોહિલની એટીએસ દ્વારા ક્યારે ધરપકડ થાય તે એક સવાલ છે.
દિપક જાની દ્વારા બેંક ખાતાઓ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા માટે લાંચ માંગવાનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો
જૂનાગઢ સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ(એસઓજી)ના સસ્પેન્ડેડ પીઆઈ એ.એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની દ્વારા બેંક ખાતાઓ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા માટે લાંચ માંગવાનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડે સમગ્ર ગુજરાતની પોલીસની આબરૂને બટ્ટો લગાડી દીધો હતો. માણાવદરના સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો આપતા એસઓજી પીઆઈ ગોહિલ અને એએસઆઈ દિપક જાનીએ મળી અનેક બેંક ખાતાઓ ફ્રીઝ કરાવી દીધા હતા. બાદમાં ખાતાઓ અનફ્રીઝ કરવા લાંચ માંગવામાં આવતી હતી. આ અંગે અરજદાર કાર્તિક ભંડારી દ્વારા આઈજીને ફરિયાદ કરતા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સમગ્ર કૌભાંડ સામે આવતા પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધાયો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ એટીએસને સોંપવામાં આવેલી છે.
એટીએસ દ્વારા માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટની ધરપકડ
એટીએસ દ્વારા માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટની ધરપકડ બાદ થોડા દિવસ પહેલા આ ગુનામાં દિપ શાહની ધરપકડ કરવામાં આવી હતી. હવે એટીએસએ એસઓજીના સસ્પેન્ડેડ એએસઆઈ દિપક જાનીની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ કોર્ટના જજ રજા પર હોવાથી વંથલી સેશન્સ કોર્ટમાં એટીએસ દ્વારા દિપક જાનીને પ્રોડક્શન રિપોર્ટ સાથે રજુ કરવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા દિપક જાનીના રિમાન્ડ માંગવામાં ન આવતા વંથલી સેશન્સ જજ એન.આર. જૈન દ્વારા આરોપી દિપક જાનીને જેલ હવાલે કરવાનો હુકમ કરતા એટીએસએ તેમને જૂનાગઢ જીલ્લા જેલમાં મોકલી આપેલ છે.
જૂનાગઢના ડિસ્ટ્રીકટ જજ દ્વારા એટીએસને તપાસની ઢીલીનીતિ અને બેદરકારી બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો
જૂનાગઢના ડિસ્ટ્રીકટ જજ દ્વારા એટીએસને તપાસની ઢીલીનીતિ અને બેદરકારી બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો. શા માટે સસ્પેન્ડેડ પીઆઈ એ.એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાનીની ધરપકડ કરવામાં આવતી નથી ? તેવા સવાલો કર્યા હતા. આ ઘટના વચ્ચે આજે અચાનક જ એટીએસ દ્વારા દિપક જાનીની ધરપકડ કરી જૂનાગઢ ડિસ્ટ્રીકટ જજ રજા પર હોવાથી તેને વંથલી કોર્ટમાં રજુ કરી દેવામાં આવ્યો હતો. હવે એસઓજીના સસ્પેન્ડેડ પીઆઈ એ.એમ. ગોહિલની ક્યારે ધરપકડ થાય છે ? તે એક સવાલ છે. હાલ તરલ ભટ્ટ બાદ પોલીસ કર્મી દિપક જાની પણ જેલની હવા ખાતો થઈ ગયો છે.